“સંઘર્ષ અને પ્રયત્નોથી જ તાકાત અને સફળતા મળે છે.” જો આ વાક્ય કોઈ એક વ્યક્તિએ સાચું સાબિત કર્યું હોય તો એ છે અપૂર્વ ભટ્ટ.
ગુજરાતમાં બ્રાન્ડિંગ કન્સલ્ટન્સી સર્વિસની શરૂઆત કરનાર છે અપૂર્વ ભટ્ટ. 25 વર્ષ એટલે કે રજત જયંતિ જેટલી સફરમાં તેમના હજારો કલાયન્ટ્સ છે. 1500 કરતા વધુ પ્રોજેક્ટ્સ છે, જેમાં જાણીતા ઉદ્યોગો, કોર્પોરેટ્સ, રાજનૈતિક પાર્ટીઓ, સંસ્થાઓ અને અનેક સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે.
અપૂર્વ ભટ્ટનો જન્મ 15 સપ્ટેમ્બર 1973ના દિવસે દ્વારકામાં થયો હતો. તેમના પિતા એક સિમેન્ટ કંપનીમાં કામ કરતા હતા તો માતા ગૃહિણી હતા. દ્વારકામાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતાની નોકરી છૂટી ગઈ. જેથી દસમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમનું જીવન વધાકે કઠિન બની ગયું. ઘરની આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે અપૂર્વ ભટ્ટ કૉલેજ જઈ શકે. જેથી બારમા ધોરણ બાદ પરિવારને મદદ કરવા માટે તેમણે નોકરી સ્વીકારી લીધી. ફાઈન આર્ટ્સનો અભ્યાસ કરવાની તેમની ઈચ્છાઓનું સ્થાન પારિવારિક જવાબદારીઓએ લઈ લીધું. આ દરમિયાન તેઓ રાજકોટમાં આવેલા તેમના પૂર્વજોના ઘરે રહેવા આવી ગયા.
અપૂર્વ ભટ્ટ ઘરે રહીને માત્ર 15 રૂપિયામાં સન કંટ્રોલ ફિલ્મ બનાવવાનું કામ કરી રહ્યા હતા. જ્યારે તેમણે સુરેન્દ્રનગરની ફાઈન આર્ટ્સ કૉલેજ વિશે સાંભળ્યું. તેમને એડમિશન પણ મળી ગયું. પરિવારને મદદ કરવાની સાથે તેમણે પોતાના સપનાઓ પર કામ કરવાનું પણ ચાલું રાખ્યું. ભણવાની સાથે તેઓ પોતાના કામનો વિસ્તાર પણ કરતા રહ્યા અને લગ્નના આલ્બમના પેઈજ ડિઝાઈન કરવા લાગ્યા. જો કે તેમની આ મહેનત અભ્યાસ માટે ઓછી પડી. તેમનાથી કોલેજના ખર્ચ નહોતા નિકળી રહ્યા. પરંતુ તેનાથી તેઓ વધુ ધગશથી કામ કરવા પ્રેરાયા અને વર્ષ 1995માં તેઓ ગ્રેજ્યુએટ થયા. શિખવા માટેની તેમની લગને તેમને પોતાની જવાબદારીઓ નિભાવવાથી ન રોક્યા. ગ્રેજ્યુએશનના બે વર્ષ પહેલા જ તેમણે પોતાનું લેબલ અપૂર્વ ગ્રાફિક્સ શરૂ કર્યું. તેમની શિખવાની ધગશના કારણે તેમને એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં ઈન્ટર્નશિપ મળી ગઈ, તે પણ કોઈ જાતના મહેનતાણા વગર. જો કે તેમણે એ સ્વીકારી જેથી તેઓ ગ્રાફિક્સ ડિઝાઈનિંગ સારી રીતે શીખી શકે. તેઓ છ મહિના માટે તેમના પિતાના મિત્રને તેમની સોનાની દુકાનમાં મદદ કરવા માટે દુબઈ પણ ગયા. જો કે, ત્યાં સ્ટુડિયોની જગ્યા ન હોવાના કારણે તેમનું કામ ન જામ્યું અને તેઓ પાછા ભારત આવી ગયા.
ઘરે પાછા આવીને તેણે ઘરેથી ફ્રીલાન્સ કામ કરવાનું અને ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પણ ચાલું રાખ્યું. જો કે જેમ જેમ ટેક્નોલોજી આગળ વધતી ગઈ તેમ તેમ કમ્પ્યૂટરાઈઝ્ડ ગ્રાફિક્સની માંગ વધવા લાગી. અપૂર્વને તેમાં અનુભવ નહોતો જેથી તેમણે એ કંપની છોડવી પડી. જે બાદ તેમણે ઘરેથી કામ કરવાનું ચાલું રાખ્યું. જો કે એ પણ તેમના માટે અઘરું પડી રહ્યું હતું કારણ કે તેમના ગ્રાહકો પણ કમ્પ્યૂટરાઈઝ્ડ ગ્રાફિક્સની માંગ કરતા હતા. પરંતુ તેઓ કમ્પ્યૂટર ખરીદી શકે તેમ નહોતા. જેથી તેમણે વધુ કમાવા માટે એક કમ્પ્યૂટર ક્લાસમાં કામ કરવાનું શરૂ કર્યું.
આ એ જ સમય હતો જ્યારે તેમણે પોતાના જૂનાગઢના મિત્ર પંકજ પાઠક, કે જેમના ઘરે કમ્પ્યૂટર હતું તેમની મદદથી પોતાના ગ્રાફિક્સનું ડિજિટલાઈઝેશન કરવાનું શરૂ કર્યું. જે બાદ તેમણે સાથે મળીને પાર્ટનરશિપ કરી અને 1998માં અપૂર્વ ગ્રાફિક્સ નામથી રાજકોટમાં ઑફિસ શરૂ કરી.
શરૂઆતમાં તેમના આ સાહસને થોડી મુશ્કેલીઓ નડી કારણ કે તેમની ડિઝાઈન્સ સમયથી આગળ હતી. જો કે અપૂર્વ ભટ્ટ અને પંકજ પાઠકે સતત પ્રયાસો ચાલુ રાખ્યા કે તેઓ પોતાના વિચારો અને કામને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે. આ માટે તેઓ સતત કામ કરતા રહ્યા. અંતે તેમની મહેનત સફળ થઈ અને તેમને સાત લાખના બજેટનો એક પ્રોજેક્ટ મળ્યો.
તેઓ ઈન્ડસ્ટ્રીમાં નવા હતા એટલે તેમને થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમને ક્રેડિટ અને ચૂકવણીમાં પણ સમસ્યા થતી હતી. પરંતુ આખરે તેમને કંપનીના એક કર્મચારી પાસેથી મદદ મળી અને તેમનું કામ સરળતાથી થઈ ગયું. આ વસ્તુએ તેમને કામ સમયસર ખતમ કરવામાં મદદ કરી અને આજે આ કંપની તેમના ટોચના ક્લાયન્ટ્સમાંથી એક છે.
સફળતા તો મળી પરંતુ અપૂર્વ ભટ્ટની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નહોતી લઈ રહી. તેમની ઑફિસના માલિકે એ જગ્યા વેચી દીધી અને અપૂર્વને ઑફિસ ખાલી કરવાનું કહ્યું. આ જ સમયગાળામાં ટૂંકી માંદગીમાં તેમના પિતાનું પણ અવસાન થયું. ઑફિસમાં તેમનો છેલ્લો દિવસ અને ત્યારે જ તેમના પિતાના અંતિમ સંસ્કાર હતા, જેથી તેઓ આ દિવસને ક્યારેય ભૂલી નહીં શકે. બંને સાથીઓ હિંમત ન હાર્યા અને પાંચ જ હજાર રૂપિયા પાસે હોવા છતાં કામ ચાલુ રાખ્યું. જો કે એક મોટા પ્રોજેક્ટે તેમને નવી ઑફિસ ખરીદવામાં મદદ કરી અને આ રીતે તેઓ આગળ વધતા જ ગયા. જલ્દી જ તેમને કોર્પોરેટ્સમાંથી પણ કામ મળવા લાગ્યું.
2006માં અપૂર્વ ભટ્ટે રીસોર્સ લિંક નામથી નવું સાહસ શરૂ કર્યું. જેનો હેતુ હતો ગ્રાફિક્સ ડિઝાઈનિંગ વિશે જાગૃતિ લાવવાનો. જેથી લોકો તેનાથી વધુ માહિતગાર થાય અને વધું સારું કામ કરી શકે. તેમનું સાહસ એવા લોકો માટે ઉપયોગી સાબિત થયું, જેમને ગ્રાફિક્સ ડિઝાઈનિંગના સેક્ટરમાં મદદની જરૂર હતી.
વર્ષ 2012માં અપૂર્વ ભટ્ટે વધુ વિશાળ જગ્યા લીધી. જેમાં તેમણે પોતાના અને તેમના પાર્ટનર માટે વધુ કર્મચારીઓને પણ નોકરીએ રાખ્યા. વધતા જતા બિઝનેસના વ્યાપ બાદ તેણે એપ્લિકેશન પણ લૉન્ચ કરી. સંઘર્ષ અને સફતાના પર્યાય સમાન અપૂર્વ ભટ્ટ અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ.