શ્રી ઇન્દ્ર્નિલ રાજ્યગુરુ, જેમનો જન્મ 26 જૂન,1966 નાં રોજ રાજકોટ,ગુજરાત ખાતે થયો. એમનું મૂળ વતન ગુજરાતનાં અમરેલી જિલ્લાનું નાનકડું ગામ જાળિયા. એમનાં પિતાજી શ્રી સંજયરાજ રાજ્યગુરુ સફળ બિઝનેસમેનની સાથે સાથે રાજકારણી હતા. જિલ્લા પંચાયત રાજકોટનાં તેઓ પ્રમુખ હતા. આમ રાજ્યગુરુ પરિવાર પૈસેટકે ખૂબ સુખી અને સાધનસંપન. ઇન્દ્ર્નીલે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો, નસીબજોગે તેઓ ગ્રેજ્યુએટ ન થઈ શક્યા તેનો તેમને આજ સુધી અફસોસ છે એટ્લે જ તેઓ યુવાધનને તેમનું અભ્યાસ પૂરો કરવાની અને ડિગ્રી લઈ લેવાની હમેંશા સલાહ આપે છે. ઇન્દ્ર્નિલનાં જીવન પર તેમના પિતાજીનો ખૂબ જ પ્રભાવ રહ્યો એટ્લે જ જ્યારે તેમના પિતાજીને ગુમાવ્યા છતાં પિતાજીના આદર્શો,વિચારો,તેમના કાર્યોને ક્યારેય ગુમાવ્યા નથી બલ્કે એ મુજબ જ ચાલવાનો હમેંશા પ્રયાસ રહ્યો છે. તેમની છબી હમેંશા એક માર્ગદર્શક અને ગુરુ તરીકે રહી અને રાખી છે.
રાજ્યગુરુ પરિવાર પાસે ઘણાં બધા પેટ્રોલ પંપની માલિકી હતી એમાંથી જ ઇન્દ્ર્નિલે પોતાની પ્રોફેશનલ કરિયરનો આરંભ કર્યો. પોતે માલિક હોવા છતાં તેઓ વાહનોમાં પેટ્રોલ પુરવાના કામથી માંડીને એકાઉન્ટ અને બાકીનું બધુ જ કામ સંભાળતા હતા. આ બધુ જ કામ શીખવાની તેમની ધગશ તેમને દરેક કામમાં આગળ લઈ આવતી એટ્લે જ તેઓ કોઈ પણ કામ શીખવામાં ખૂબ જ આગળ રહેતા, એક વખત તેમના દિમાગમાં એ કામ બેસી જાય પછી એ કામને વધારે આગળ કેમ લઈ જઇ શકાય એના વિચારો કર્યા કરતાં અને અમલમાં પણ લાવતા.
એમની આ દૂરંદેશી અને ધગશનાં કારણે ફક્ત ચોવીસ વર્ષની વયે જ તેઓ ટ્રાવેલ્સ, રિયલ એસ્ટેટ, અને રેસ્ટોરન્ટનાં બિઝનેસમાં ખૂબ આગળ વધી ગયા.પોતાનાં આદર્શ પિતાના નામ પરથી સંજયરાજ ટ્રાવેલ્સ,સંજયરાજ એસ્ટેટ, ડ્યુ ડ્રોપ્સ રેસ્ટોરન્ટમી સફળતાનો સ્વાદ ચાખી રહ્યા હતા. પોતાની સૂઝબૂઝ અને પારખી નજરથી તેઓ હંમેશા કઈક ‘હટકે’ જ કરવામાં માનતા રહ્યા ને તેનાં પરિણામે ફક્ત ચીલાચાલું રસ્તે આગળ ન વધતાં પોતાનો રસ્તાનું નિર્માણ પોતે જ કરતાં ગયા.
દરેક સફળ વ્યક્તિ પાસે પોતિકા વિચારો જ હોવાના,જીવન જીવવાની પોતિકી રીત અને ફિલોસોફી હોવાની જ. કદાચ આવી વિચારધારા જ એ વ્યક્તિને બીજાથી જુદાં સાબિત કરવામાં મદદરૂપ બને છે ને ઇન્દ્રનીલ આવી જ વિચારસરણી ધરાવતા વ્યક્તિ છે જે હમેંશા નવું શીખવા તત્પર રહે છે,તેમની દૂરંદેશી, કોઈ પણ સ્થિતિનું બારીકાઈથી નિરિક્ષણ કરવાની આવડત તેમને પોતાના બિઝનેસમાં ખૂબ આગળ વધાર્યા છે. માત્ર એક જ દસકામાં ફૂડ બિઝનેસમાં 1999માં તેમણે કરેલાં સાહસ ‘નીલ દા ઢાબા’ કરેલો ગ્રોથ/વિકાસ તેમની સૂઝબૂઝનું જ પરિણામ છે.
તેમના પિતાજી દ્વારા મળેલ બીજો વારસો એટ્લે રાજકારણ..તેઓ 1995માં રાજકારણમાં જોડાયા અને 2000ની સાલમાં પોતાનો સફળ બિઝનેસ પરિવારજનને સોંપીને કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવ્યું..આ 2000ની સાલ તેમના માટે ખૂબ નસીબવંતી પુરવાર થઈ. તેઓ 2000થી પાંચ વર્ષ માટે કોર્પોરેટર તરીકે ચૂંટાયા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગર્વર્નીંગ મેમ્બરની સાથોસાથ તેઓ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન બન્યા.
2012ની સાલમાં કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને ટિકિટ મળી અને તેઓ ચૂંટણી લડીને MLA બન્યાં..એ પણ એવા સંજોગોમાં અને એવી જગ્યાએ જ્યાં ઘણાં વર્ષથી કોંગ્રેસ પાર્ટી પોતાનો પગદંડો જમાવવામાં કામયાબ રહી નહોતી. આ આખા મતવિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી તરફથી તેઓ એક માત્ર જીત્યા હતા. લોકો સાથે તેમનું કનેક્શન, મદદરૂપ થવાનો,સમસ્યાનાં મૂળમાં જઈને કામ કરવાનાં સ્વભાવે તેમને આ જીત અપાવી હતી. તેઓ એક પાવરફૂલ અને ધનવાન બિઝનેસમેન અને રાજકારણી હતા, તેમની સંપત્તિનો ઉપયોગ પોતાનાં બિઝનેસને જ વિકસાવવામાં ન કરતાં તેઓએ સમાજ માટે કલ્યાણકારી કાર્યો માટે કર્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ અને ચૂંટણી પ્રભારી તરીકે તેમનો રોલ ખૂબ પ્રભાવક રહ્યો. તેઓ પાર્ટી અને ઈલેકશન માટે પોતાનું અંગત ભંડોળ વાપરવા માટે ખૂબ જાણીતા અને માનીતા થયા.
તેઓ ખૂબ પૈસો અને પાવર હોવા પોતાનાં સરળ વ્યક્તિત્વને કારણે સફળ અને લોકલાડીલા એવા નેતા બન્યા. જે કામ હાથમાં લે એને પૂરી ઈમાનદારી અને ધગશથી નિભાવવાનાં સ્વભાવને કારણે તેઓએ એક અલગ સામ્રાજય ઊભું કર્યું. સમાજઉપયોગી કાર્યો, ગરીબોને મદદ, શિક્ષણ,મેડિકલ ક્ષેત્રે તેમણે કરેલી અનેકોને મદદ, કેન્સર પેશન્ટ માટે કરેલી કામગીરી તો અત્યંત મહત્વની સાબિત થઈ રહી. તે ઉપરાંત વિવાહ મેળાનું આયોજન, યુવાધનને કારકિર્દીનું માર્ગદર્શન આવા અનેકવિધ સમાજઉપયોગી કાર્યો તેમના સફળ વ્યક્તિત્વ અને અદ્દ્ભુત નેતાગીરી માટે મિસાલ સાબિત થયા.
જેમ 2000નું વર્ષ તેમને માટે શુભસંદેશ બનીને આવ્યું હતું તેવી જ રીતે 2004નાં વર્ષમાં તેમના અનેક સોપાનોમાં વધુ એક અનોખુ સોપાન ઉમેરાયું. ‘ધ નીલ સિટી ક્લબ’. સૌરાષ્ટ્રમાં જ્યારે ક્યાંય આવું ક્લબ કલ્ચર નહોતું ત્યારે પોતાની અનોખી વિચારસરણીને અનુસરીને સૌ પ્રથમ આવી કલબનું નિર્માણ થયું હતું જ્યાં જુદી જુદી એક્ટિવિટી સ્વિમિંગ,ટેનિસ જેવી અનેક રમતગમતને સ્થાન અપાયું જેની માટે અનેક નિષ્ણાતોની સેવા લેવામાં આવી, પોતાનાં ટ્રાવેલિંગ દરમિયાન ધ્યાનમાં આવેલી અનેક યોજનાઓને પોતાની રીતે પારખીને,સમજીને નવાં રૂપરંગમાં ઢાળીને તેઓએ ફિટનેસ અને કલ્ચર ક્લબનું નિર્માણ કર્યું. નવરાત્રિનાં મહોત્સવ માટે લોકોમાં એક અલગ ચાહના ઊભી કરનાર સ્થળ બન્યું. નવાં વર્ષની ઉજવણી હોય કે પછી ધૂળેટી કે કોઈ પણ તહેવાર કે કોન્સર્ટ હોય, ધ નીલ સિટી ક્લબની પસંદગીને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો. ઉજવણીના અનોખા અંદાજ અને વિશાળ જગ્યાનાં કારણે આ કલબ ટૂંક સમયમાં જ સફળતાના સ્વાદ ચાખવા લાગી.
ઇન્દ્ર્નિલ રાજ્યગુરુએ એક સફળ બિઝનેસમેન અને સફળ રાજકારણી તરીકે ખૂબ સફળતા અને નામના મેળવી. તેઓના પિતાશ્રીની એક ઈચ્છા હતી કે આ દેશ માટે શૈક્ષણિક ક્ષેત્રે કઈક કરી છૂટવું. પોતાનાં પિતાજીને આદર્શ માનીને જીવતા ઇન્દ્ર્નિલનાં દિમાગમાં આ વિચાર સચવાઈને પડ્યો રહ્યો અને યોગ્ય સમયે તેઓએ આ વિચારને અમલમાં મૂક્યો અને નિર્માણ થયું ઓમ શાંતિ એન્જીનિયરીંગ કોલેજનું જે અત્યારે સંજયભાઇ રાજ્યગુરુ કોલેજ ઑફ એન્જીનિયરીંગ તરીકે ખૂબ પ્રખ્યાત છે.સંજયરાજ એજ્યુકેશન ઝોનનાં બેનર તળે આ કોલેજ ઉપરાંત ખૂબ જ સરસ રીતે બંધાયેલ કોલેજનું બિલ્ડીંગ અને હોસ્ટેલનું નિર્માણ થયું છે. 105 એકરમાં ફેલાયેલું આ કેમ્પસ ગુજરાત રાજયનું બીજા નંબરનું એન્જીનિયરીંગ કેમ્પસ બન્યું છે અને સાથે સંજયભાઈ રાજ્યગુરુ સાયન્સ કોલેજનું પણ સાથોસાથ નિર્માણ થયું છે.
તેઓના રિયલ એસ્ટેટના બધા જ પ્રોજેકટસ ખૂબ સફળ સાબિત થયા. તેઓના ગૃહનિર્માણના પ્રોજેકટસ નીલ’સ એસ્ટ્રલ,સંજય વાટિકા, પ્રશિલ પાર્ક, દ્વારકેશ સોસાયટી અને ગ્રીન એવન્યુ જેવાં મુખ્ય છે. આ ઉપરાંત તેઓનાં કોમર્શિયલ પ્રોજેકટસ જેવાં કે ઇમ્પોરિયા, મંત્ર ( જે હજુ બંધાઈ રહયું છે) અને આવા અનેક લેંડમાર્ક પ્રોજેક્ટ્સ સફળ થયાં છે.
એક વખત ફૂડ અને રેસ્ટોરન્ટ બિઝનેસમાં ઝંપલાવ્યા પછી તેઓએ ઘણાં બીજા નવાં હોટેલ પ્રોજેક્ટ્સનું નિર્માણ કર્યું જેમ કે, બાલી ગાર્ડન રેસ્ટોરન્ટ, નીલ’સ સ્ટીમ્યુલ્સ, ક્રેઝી નુડલ્સ,ઇલ્યુશન કાફે,ગોસિપ્સ રેસ્ટોરન્ટ, નીલ’સ સિટી રિસોર્ટ્સ અને હોટેલ મિંટ..હજુ બીજા ઘણાં હોટેલ પ્રોજેક્ટ્સ જુદી જુદી જગ્યાએ બંધાઈ રહ્યા છે.
ઇંદ્રનીલ રાજ્યગુરુ સફળ વિચારક છે. તેમના જીવનની પોતાની એક ફિલોસોફી છે. પ્રમાણિક્તા અને સિદ્ધાંતોને તેઓ વરેલા છે અને તેમાં ક્યારેય બાંધછોડ કરતાં નથી. તેઓને રોડ ટ્રીપ, એડવેંચર રેલીઝ અને કુંકિંગનો શોખ છે. વૈભવી કાર એમનું પેશન છે. આજ બધા જ શોખ અને પેશન તેમના બોડી અને માઇન્ડને ફિટ રાખવામા મદદરૂપ નીવડે છે.
તેઓ માને છે કે, દરેકના જીવનમાં શિક્ષણનો પ્રવેશ થવો જ જોઇએ પણ જો કોઈ આવું કોઈ પણ શિક્ષણ મેળવી શકવામાં સક્ષમ નથી તેઓએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે જીવન એક મોટો ક્લાસરૂમ અને શિક્ષક સાબિત થાય છે જો શીખવાની ધગશ હોય તો. ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતે જ આ વાતને અનુસરીને પોતાના જીવનમાં આવેલી દરેક ઘટનાઓ કે દરેક ક્ષણે કઈક ને કઈક શીખતા જ રહ્યા છે.
સતત અને સખત મહેનત, સત્ય અને પ્રમાણિક્તા, સૈદ્ધાંતિક વિચારોને જાળવીને કરેલાં કામ કોઈ પણ વ્યક્તિને ટોચ પર પહોંચાડવામાં હમેંશા મદદરૂપ બને છે. આવા મૂલ્યોને કારણે નીરખી ઊઠે છે ઇન્દ્ર્નિલ રાજ્યગુરુ જેવુ અનોખુ વ્યક્તિત્વ.